રાય કરણ ઘેલો - ભાગ 14

૧૪ ત્રણ ઘોડેસવાર   માધવ પ્રધાન ને શ્રેષ્ઠીઓ વચ્ચે ઘર્ષણ હતું. બંને બાજુ આંખો વઢતી હતી. માધવને ગર્વ હતો. શ્રેષ્ઠીઓને દ્વેષ હતો. વિશળદેવે રાણીવાવમાં સભામાં એ જ બધું જોયા કર્યું. રાણીવાવની સભા તો રાતના મોડે સુધી ચાલી ને ઘણા નિર્ણયો લેવાયા. પણ વિશળનું ધ્યાન પોતાની યોજનામાં પડ્યું હતું. મહારાણીબાએ માધવને મોકલવાનું કર્યું, ત્યારથી એના મનમાં એમ થયું કે એ બહારનો બહાર જ રખડતો રહે, ને પોતે પાટણના મહાઅમાત્યપદે હોય, એ અશક્ય ન હતું. પણ મેદપાટનો પ્રશ્ન પતાવી દેવો જોઈએ.  રાણીવાવની સભાના કેટલાક નિર્ણયો મરણિયા જુદ્ધના જણાતા હતા. મેદપાટ કે દિલ્હી કી પ્રશ્ન પતે તેવી મહારાજને આશા હોય તેમ જણાયું નહિ.