૧૩ કર્ણાવતી મહાઅમાત્ય માધવના ગર્વિષ્ઠ સ્વભાવને સંતોષ થયો. સૌ એને જ જવા માટે પ્રાર્થી રહ્યા હતા. એ મનમાં માનતો હતો, જે વસ્તુપાલના જમાનામાં બન્યું, તે આજ પણ બને. દિલ્હીના સુરત્રાણને વશ કરી શકાય. એ કરી બતાવવાની છાની અભિલાષા એ એનો ગર્વ હતો. વિરોધીઓને એ રીતે જ જવાબ વાળી શકાય. એણે અત્યારે પણ પોતાની દીર્ઘદ્રષ્ટિનો પરિચય આપવાની તક પકડી લીધી. કેટલાક માણસો નિરંતર ‘હું કેવો?’ એમાંથી ભાગ્યે જ ઊંચા આવે છે. માધવનો પણ ‘હું’ આકાશપાતાળ ભરી દેનારો હતો. રાય કરણરાયને એ જ્ઞાત ન હતું, એમ નહિ. પણ એ એવા જમાનાના સિમાડા ઉપર આવીને ઊભો હતો કે, અચાનકનો ફેરફાર એને ત્યાં