અવની માથે આવતો , ઈશ્વર લૈ અવતાર
ભેળા એ ભજનાર (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
ભૂપ ને કોઇ ભોમિયા , પયગંબર ને પીર
ફરતા સંત ફકીર (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
કળનારા એ કાળને (કોઇ) સમદર ભમ્યા સાત
(હતા) વિશ્વમા વિખ્યાત (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
રત્નો નવને રાખતા (કોઈ) યોદ્ધા અપરાજીત
નારાયણ જપતા નિત (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
મૂછો કાયમ મરડતા , તાણી દેતા તાવ
(હતો) પૃથ્વીમા પ્રભાવ (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
કાંટો દેહમા કદિએ , વાગ્યો નતો વીર
(હતુ) સુખી સદાય શરીર (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
દુનિયાને ડોલાવતા (જેની) હાંકે જતા હજાર
(હતા) વિશ્વમા વહેવાર (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
એકેય અવની ઉપરે (જેના) અડેલ નોતા અંગ
(કોઈ) જીતેલ ઘણા જંગ (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
દાતા ચતુરા દીનને , ધરમી ને ધનવાન
દિ ઉગે દેતા દાન (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
નાય તરવેણ નીરને (માથે) હતા વૈદના હાથ
(હતો) શક્તિ તણો સંગાથ (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
વિશ્વમા કદી વાગતી (કોઈ) પંથકના પરધાન
(હતુ) સૌના રુદે સ્થાન (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
કંઇક વિરલા કાયમી (દેતા) ભળકડે એ ભોગ
(કોઈ) રગમા નોતા રોગ (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
અશ્વને ગજ આંગણે , ઉડતા એ આકાશ
લથડી એક દિ લાશ (સૌ) ભોમમા ભળ્યા ભૂપતા
રચના : આહિર ભૂપત ભાઈ જળુ
ગામ : નવાગામ (સરધાર) તાલુકો રાજકોટ