મોટી બિલ્ડીંગો પાછળ ઉગેલો સૂરજ, એ જ બિલ્ડીંગો પાછળ ઢળી ગયો. છૂટક કાર અને બાઇક નો આવરો જાવરો વધી ગયો, નિવૃત્તિના કિનારે કે નિવૃત થયેલા આધેડ ઉંમરના પુરુષો બિલ્ડીંગો નીચે ખુરસી નાખી ટોળું વળી બેઠા હતા. નાના બાળકોના મોટા અવાજો, ફેરિયાઓ થાકેલા અવાજે બૂમો પડી રહ્યા હતા. પક્ષીઓનું ગુંજન ન હતું કારણ આ શહેર હતું. અહીં ડ્રોઈંગ રૂમમાં પક્ષીઓની પેઇન્ટિંગ લગાવવામાં આવતી હતી. ખોટા હાસ્ય ચહેરા ધારણ કરેલા સ્વાર્થી અને લાગણીહીન માણસો ફરી રહ્યા હતા, શુ એ માણસો જ હતા, ના એ મશીન હતા, ખુદ માટે જીવતા મશીન, જે પોતાને એક દરજ્જે રિચ અને પ્રોફેશનલ માની રહ્યા હતા, દિલમાં લાગણીની કંગાલિયત રહી હતી. પુરા દિવસનું કામ કરી આવેલ પુરુષોના ચહેરા સુકાઈ ગયેલા હતા, ઘરે આવ્યા નો કોઈ આનંદ દેખાતો ન હતો, ગામડેથી આવેલી સ્ત્રીઓ પોતાના ટોળામાં બને એમ અંગ્રેજી શબ્દના ઉપયોગ કરી વાતો કરતી હતી. નવું નવું ફેસબૂક અને વોટ્સએપ ખોલ્યું હોઈ એમ એકબીજાને પોતાનો મોબાઈલ બતાવી હસી રહી હતી.
મનોજ સંતોકી માનસ