ગીતા....ભજન સ્વરૂપ માં.
ભક્તિ બેધારી તલવાર છે.તમે કેવા છો એને ભગવાન ધ્યાનમાં નથી લેતા,બસ તમે ફના થવાની કેટલી તૈયારી રાખો છો એ જૂવે છે.ગંગાસતિ ની "ગીતા" આ જ સમજાવે છે.
પાપ તારું પરકાશ…
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
—એમ તોરલ કહે છે જી
વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી
વાળી ગોંદરેથી ગાય રે
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે
—એમ જેસલ કહે છે જી
પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી
પાદર લૂંટી પાણિયાર રે
વનના મોરલા મારિયા, તોરલ દે રે
—એમ જેસલ કહે છે જી
ફોડી સરોવર પાળ, તોળી રાણી
ફોડી સરોવર પાળ રે
વન કેરા મૃગલા મારિયા તોરલદે રે
—એમ જેસલ કહે છે જી
લૂંટી કુંવારી જાન, તોળી રાણી
લૂંટી કુંવારી જાન રે
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે
—એમ જેસલ કહે છે જી
હરણ હર્યાં લખચાર, તોળી રાણી
હરણ હર્યાં લખચાર રે
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે
—એમ જેસલ કહે છે જી
જેટલા મથેજા વાળ, તોળી રાણી
જેટલા મથેજા વાળ રે
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે
—એમ જેસલ કહે છે જી
પુણ્યે પાપ ઠેલાય, જાડેજા
પુણ્યે પાપ ઠેલાય રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
—એમ તોરલ કહે છે જી