હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚
વાલો મારો જુવે છે વિચારી ;
દેવા રે વાળો નથી દૂબળો‚
ભગવાન નથી રે ભીખારી…
જળ ને સ્થળ તો અગમ છે‚
અને આ કાયા છે વિનાશી ;
સરવને વાલો મારો આપશે‚
મનડા તમે રાખો ને વિશવાસી…
નવ નવ મહિના ઉદર વસ્યાં‚
તે દિ વાલે જળથી જીવાડયાં ;
ઉદર વસ્યાંને હરિ આપતો‚
આપતો સૂતાં ને જગાડી…
હે જી વ્હાલા…
ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚
આવજો અંતરજામી ;
ભક્તોના સંકટ તમે કાપજો
મહેતા નરસૈંના સ્વામી…
હે જી વ્હાલા…
નરસિંહ મહેતા