હું નથી પૂછતો ઓ સમય કે હજી!
તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને,
જોઈએ તારે આખર જખમ કેટલા?
ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહીં,
પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા,
પૂજવા પડશે મારે સનમ કેટલા?
પ્રેમ ઈર્ષાથી પર ક્યાંય હોતો નથી,
શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો,
મૌન પેદા કરે છે ભરમ કેટલા?
દર્દની લાગણીના ઘણાં રૂપ છે,
માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?
સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી,
આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઈશ્વરને માટે મમત કેટલો,
એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા?
– શૂન્ય પાલનપુરી