#Love youMummy
પ્રિય,
"મા",
" મા",તું કેમ છે? એવું હું પૂછી જ ન શકું કેમ કે એક "મા" હંમેશા પોતાના બાળક સામે મજામાં જ હોય છે,હંમેશા હસતું મુખ જ હોય,પછી ભલે ને ગમે એટલી મુશ્કેલીમાં હોય,એ મુશ્કેલી નો પડછાયો પોતાના બાળક પર પડવા દેતી નથી. તું જ્યારે પણ મારી સાથે હોય છે મને કોઈ જ ચિંતા, ડર, મુશ્કેલી દૂર દૂર સુધી ભેટતી નથી.તું મને બીજા કરતાં ૯ માસ વધારે જાણે છે.હું જ્યારે તારા ગર્ભમાં હતી ત્યારથી જ તે પોતાનું જીવન મારા માટે સમર્પિત કરી દીધું. તે મારા માટે તારું સૌન્દર્ય પણ ગુમાવી દીધું.અને શરીર નું કોઈ અંગ કપાય જાય ત્યારે જે પીડા થાય ,એટલી પીડા ભોગવી ને તે મારું આ પૃથ્વી પર આગમન કર્યું.ત્યારથી માંડી ને આજ સુધી કેટ કેટલા ઉપકારો તે મારા પર કર્યાં. મારા બધાજ દુઃખમાં સહભાગી બની સાથે સાથે એની સામે કેવી રીતે ટકવું એ પણ શીખવાડતી ગઈ.પારકા ઘરે મોકલી પણ ચિંતા તો તું હંમેશા મારી કરતી રહી.કહેવાય છે કે,દીકરી પારકી થાપણ કહેવાય,પણ "મા"તે મને હંમેશા એક ફૂલ જ સમજ્યું છે,જેનું જતન એક સારો માળી જ કરી શકે. તે તારા બધાજ મોજ શોખ માળવે મૂકી ને મને સારી જીવનશૈલી મળે તે માટે "મા"તું પોતાનું જીવન મારી પાછળ જોત્રી કાઢ્યું. "મા" શબ્દ જેટલો સરળ છે તેટલું જ "મા" થવું ખૂબજ અઘરું છે.એ તો હું પોતે "મા"બની ને અનુભવ્યું છે. "મા" ની મમ્મી ને પણ નાની કહેવાય છે કારણ કે "મા"નું સ્થાન શિરોપરી છે. "મા"તું મારા હૃદય નો ધબકારો છે,મારો શ્વાસ છે.હું તારું પ્રતિબિંબ છું. તારા વગર મારું જીવન રણ સમાન છે.તું જ એક જીવાદોરી છે જે પરિવાર ને એક સુંદર માળા ની જેમ ગુંથી રાખ્યો છે. ઈશ્વરે તો માત્ર મારામાં પ્રાણ ફૂંક્યા છે. પણ "મા" તે તો મને જીવન આપીનેે તેને જીવવાની કળા શીખવાડી છે. બસ એટલું જ કહીશ કે" મા એ મા બીજા વગડાના વા" એ કહેવત ખોટી નથી.
"મા" તું મારો પડછાયો છે.અને તારા લીધે મારું હૃદય ધબકે છે."મા"તારો પ્રેમ અપાર, અનંત છે.તારું સ્થાન મહાન છે.જેના ચરણોમાં હું હંમેશા નતમસ્તક છું.મને જીવન આપવા માટે હંમેશા હું તારી ઋણી રહીશ.
એ જ તારી લાડલી.