તારે ચણવું, મારે પણ ચણવું.
તારે ચણવા મોટા ટાવર ઘણા
મારે ચણવા માંડ ચપટી દાણા
મારે ચણવા જોઈએ ચોક ટબુકડો
નહીંતો બસ થાય એક ચબુતરો
નાની સરખી કુંડી કે શકોરું
એટલું મળે કે મારું કામ પૂરું.
તારે તો જોઈએ મેદાન મોટાં
પાયા ખોદી નાખવા ઈંટ રોડાં
એક પતે ને બીજું કામ ઉભું
તારું થાશે નહીં કામ ક્યારેય પૂરું.
એટલે તો આસપાસે વૃક્ષો કપાયાં
રાત પડે અમે જ્યાં હતાં સંતાયાં
ગયાં ખેતરો એ મારા દાણા ઉગાડતાં
બન્યાં કે બનશે તારાં ટાવરો ઉભવાનાં
સમજું કે માનવને જોઈએ રાતવાસો
પણ એ માટે સમુળથી અમને કાં ઉથાપો?
જોઈએ મારે ન મેદાન વિશાળ
બસ બેસવા નાની વૃક્ષ કેરી ડાળ
વિનવું તને રાખજે બાપુ જગા થોડી
ચણવા ચોક ને ડાળ વૃક્ષની છોડી
જીવાડજે થોડાં ખેતર હરિયાળાં
માનવને રોટી, મને દાણા દે આટલાં
જીવશું સાથે રહેવા જે સર્જ્યાં પ્રભુએ
તું ને હું પક્ષી માનવ નાનાં મોટાં સહુએ.
રાખીએ ખ્યાલ એકબીજાનો ને વસીએ
આ પૃથ્વીનાં સંતાનો બની શ્વસીએ
તું તારું ચણ ધ્યાન રાખી અમારું
હું મારી જગ્યા તારામાં નહીં વિસ્તારું.
તારે ચણવું, મારે પણ ચણવું.
***
- સુનીલ અંજારિયા