મોટા બા.....
બા તને ગયે વર્ષો વીત્યાં
યાદો પણ સમય
સાથે થોડી ધુંધળી થઈ
કદાચ જાળાં બાઝયા..
ના!
જોને આતો એવી ને એવી
જાણે હાલની...
બા પહેલાં તો સપને આવતી
મળી ખૂબ વ્હાલ વરસાવતી
એક એકના ખબર પૂછતી..
પછી
એ ક્રમ તૂટયો..
કયારેક માવઠા જેમ આવતી..
હું તો તારી આંગળીનું છોગું..
પડછાયો બની ફરતી...
તારા વ્હાલનો વરસાદ ખૂબ પામતી
તારી સોડમાં ભરાઈ રહેતી...
મારું વિશ્વ જ તું હતી .
મા માસી મામી કાકી ફીયા
બહેન બેટા ભાભી વહુ
કેટલા સંબોધન મળ્યાં ..
પણ મારી ગગી કહેનાર
વ્હાલનો ટહુકો કયાં શોધું..
બા તારી પાસે મા પણ પહોંચી ..
સાસુ વહુ એ અમરાપરમાં
ગોઠડી જમાવી...
પણ...
અમે સૌ આજ પણ તરસ્યે..
જો બા
આ તારી યાદો
વરસાદ બની વરસી
હૈયું હીબકે ચડયું ..
આવને
તારા પાલવથી એ લુંછને
તારી સોડમાં લઈ
બા... સાંભળોને...
"કાજલ"
કિરણ પિયુષ શાહ