હમણાં જગતમાં પ્રેમકથાનો જુવાળ છે,
હું શું લખું કે મારી કથા લોહિયાળ છે.
હું પુરી લઈને બેઠો એ છો ઊંચી ડાળ છે,
પણ નીચે એક લુચ્ચું સમયનું શિયાળ છે.
આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ,
હે! આસમાન, બોલ તું કોનું કપાળ છે?
હું પાણી પાણી થઈ ગયો છું તમને જોઈને,
ને જ્યાં તમે ઊભા છો એ બાજુ જ ઢાળ છે.
છૂટ્યો છતાંય બહાર નથી નીકળી શક્યો,
આ દુનિયા જાળ છે અને સાલી વિશાળ છે.
મારા અસલ વિચાર તો કચડી ગયો સમય,
ગઝલોમાં જે બતાવું એ તો કાટમાળ છે.
બહુ બહુ તો ગર્વ લઈ શકો બીજું કશું ન થાય,
"હરી" આપનો હતો એ હવે "ભૂતકાળ" છે.
- હરેશ ચાવડા "હરી"