મીઠાનું રણ પોકારે...
આંખ્યું ઠરે ત્યાં સુધી સફેદ દરિયો જાણે પોતાના મોજા ઉલાળે.
ભાતભાતની રંગબેરંગી સાંજથી આકાશમાં અવનવી ભાત બનાવે.
રાત પૂનમની તો એમાંય તમને ધરતી પર ઊતરતાં તારલા દેખાડે.
કેમનું કરી રોકું હું ખુદને જ્યારે, કુદરત કેરી આ કારીગરી મને પોકારે.
સુરખાબ ને ગુલાબી પેણ સાથે વિદેશના અનેક પક્ષીઓ જ્યાં મ્હાલે.
ઊંટને પકડી ચાલતાં માલધારીઓની સુંદર બોલી ને દુહા શુરાતન ચડાવે.
છકડા રીક્ષામાં બેઠેલી નાર જાણે ભાતીગળ ભરત-ભરેલી ઓઢણી ઝુલાવે.
નીંદર ઘરમાં કેમની આવે જયારે, કચ્છની કલગી સમુ મીઠાનું રણ પોકારે...
રાત પડતાં કસુંબા સંગ ડાયરામાં ચારણ કવિ કેવું સપાખરું બોલાવે.
શરણાઈ ને તબલાની જુગલબંધી તો બંધ આંખે જાણે શામળિયો દેખાડે.
ખુલ્લાં પગે રણમાં ગિલ્લી દંડાની રમત રમવાની મજા જ અલગ આવે.
પાછું વળવાનો રસ્તો ભુલાવે, જયારે ઢોલિયા પર વાયરો પ્રેમથી થપથપાવે.
-તેજસ