જેવું
હતું ઘરમાં સખી અપમાન જેવું
પછી મન લાગતું વેરાન જેવું.
સહન કરતી રહી કાયમ વધારે
છતાં છે ક્યાંય પણ સન્માન જેવું?
ઘા ઝીલ્યા પીઠ પર હસતા રહીને,
હવે ત્યાં ક્યાં બચ્યું છે ભાન જેવું.
અસર થાતી નથી આજે કશાની,
નથી મળતું કશે પણ સ્થાન જેવું.
કદી સેવી હતી આશા ઘણીયે
થશે જીવન કદી લોબાન જેવું.
પડે ખાડો કદી પૂરાય ક્યાં છે?
મળે મુઠ્ઠી નસીબે ધાન જેવું.
રખડતી જિંદગી જીવી જઈ ને,
કદી મળશે નહીં ત્યાં માન જેવું.©
લગાગાગા લગાગાગા લગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ