નથી બાકી
હથેળીમાં હવે તો કાલનો ઓળો નથી બાકી,
ને આઈનો કહે છે કોઈ પડછાયો નથી બાકી.
ચલો પકડો તમારા કાન માફી માંગવા માટે,
ખબર છે ને હવે એકપણ નવો મોકો નથી બાકી.
વખાણે વાળ કાળા ખૂબ લાંબા ચોટલા વાળી,
કરે ગુંફન નવા એમાંય અંબોડો નથી બાકી.
નિતારી ઝેર આજે કાંચળી બદલી બની માનવ,
મહોરા રોજ બદલાવે હવે ભોળા નથી બાકી.
દરદ હદથી વધારે હોય ત્યારે ચૂપ રહેવાનું,
હતી સમજણ ઘણીયે બોલવા શબ્દો નથી બાકી.
કદાચિત વાત તમને આજ સમજાવી શકું સાચી.
હવે મનમાં સમાવ્યા ભેદ પરપોટો નથી બાકી.
હરખ ને શોકમાં રડતી રહે આંખો સદાયે ત્યાં,
નજર કોરી રહીં ભીજાય છે આંખો નથી બાકી.©
કાજલ
કિરણ પિયુષ શાહ