લેજો
વાત એની જો કદી આવે જરા ધિક્કારી લેજો,
ધ્યાન રાખ્યું નામ હોઠે ના ચડે એ ધારી લેજો.
રાવ ને તકરાર વધ્યા તો નજરથી દૂર રાખ્યો
ને છુપાવી સ્નેહ મનમાં આજ તો ફટકારી લેજો.
કાળ ઊભો સાવ સામે ડર નથી મનમાં હવે, પણ
છે સમજ, સમજાય તો ટાણે તમે સ્વીકારી લેજો.
એક ઈશારો જો મળે યાદો સમેટી ચાલું સાથે.
રાહ જોતાં જિંદગી જીવી ગયાં વિચારી લેજો.
આંગળી પકડી કદી રસ્તોય ચીંધ્યો, યાદ છે એ,
વાંક આવે હકથી સોટી પણ તમે ફટકારી લેજો.
જાનવર સંગે કદીયે જાનવર લાગે અહીં તો,
જાણ ખાતર આજ તો ડોબો ગણી ડચકારી લેજો.
એકલાં પડતાં નજર સામે છબી પ્યારી હતી ત્યાં,
ભાલ કોરું ભેજ આંખે, પેટ ખાડો ઠારી લેજો.©
કાજલ
કિરણ પિયુષ શાહ