હિંદુૃપ્રજા અંગે ચિંતીત પદ્મભૂષણ સ્વામી સચ્ચીદાનંદ પરમહંસના વિચારોઃ-
સ્વામીજી ગુરુ પ્રથા અને વર્ણવ્યવસ્થાના વિરોધી છે. વર્ણવ્યવસ્થાએ હિંદુ પ્રજાની એકતા અને પ્રગતીને અવરોધી છે.વિશ્વમાં ક્યાંય જોવા નહિ મળેતેવી સમાજ રચના અહીં કરવામાં આવી છે. ચાર વર્ણો ( બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય અને શુદ્ર)ને ઈશ્વરીય રચના માનીને પછી અઢાર વર્ણો કરવામાં આવ્યા છે. તે પછી અસંખ્ય જાતીઓ, જ્ઞાતિઓ, ગોળો, ગોત્રો,કુળો વગેરે દ્વારા હિંદુ પ્રજા વિભાજીત થઈ ગઈ.હિંદુપ્રજાની મુળ દુર્બળતા તેની વિભાજીત સમાજરચના છે.વર્ણવાદ છે. હિંદુ પ્રજા અસંગઠીત અને અનિયંત્રિત છે, એટલે શક્તિહીન છે. માત્ર વિધર્મીઓને ગાળો આપવાથી ધર્મરક્ષા થઈ શકવાની નથી.સ્વામીજી લખે છે કે હવે મને મોક્ષની કશી ચિંતા નથી પરંતુ સૌથી વધુ ચિંતા હિંદુ પ્રજાના જીવનની થાય છે.મને તેમનું ભવિષ્ય ઊજળું દેખાતું નથી, કારણ કે તેની ધર્મવ્યવસ્થા અને સમાજ ત્રુટીભરી છે. અસંખ્ય મતમતાંતરો, માન્યતાઓ, અવતારો, ભગવાનો,ગુરૂઓ,સંપ્રદાયો,વાડાઓ,અંધશ્રધ્ધાથી હિંદુ પ્રજા વિભાજીત થઈને ભ્રમણાઓમાં ભટકતી રહી છે.આથી જ વિરતા પરમો ધર્મ અને એકતા પરમો ધર્મનો સુત્રો તેઓએ આપ્યા છે.
સ્વામી લખે છેઃ; 'હું પરિવર્તવનવાદી છું, વાસ્તવવાદી છું, તેથી મેં વર્ણાશ્રમ ધર્મ કરતાં માનવતાવાદી ધર્મને વધુ પસંદ કર્યો છે.અહિંસાનો પૂર્ણ પક્ષપાતી હોવા છતાં પણ હું શસ્ત્ર વિરોધી નથી. મેં મારી જાતને દીવ્યયોગી ગણાવી નથી હું એક સામાન્ય માણસ થઈને જીવ્યો છું. દંભ કે ઢોંગ વિનાનું મારું જીવન એજ મારી મૂડી. પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નોમાં રસ લઈને તકલીફો વેઠીને કેટકલાકની દૃષ્ટિએ અળખામણો થઈને પણ જે કાર્ય થઈ શક્યું તે હિમાલયની સાધના કરતાં પણ ચડિયાતું હતું, તેનો મને સંતોષ અને પ્રતીતિ છે.
મૂઠી ઊંચેરા માનવી, સમાજના માર્ગદર્શક અને ક્રાંતિકારી સંત પદ્મભૂષણ સ્વામી સચ્ચીદાનંદજીને વંદન.
(ગુજરાત દર્પણ સાપ્તાહિક પૂર્તિ મે ૬ ૨૦૨૨ માંથી સાભાર)