Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#... ૧૩. વિવાહ સંસ્કાર (ભાગ-૨)...

લગ્ન વિધિની સમજણ

લગ્ન પ્રસંગે થતી વિધિઓ અવાર-નવાર નિહાળીયે અને સાંભળીયે છીએ, પરંતુ એ વિધિનો મર્મ શું છે ? તે આપણે જાણતા હોતા નથી. વરરાજા પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વિધિ વખતે બ્રાહ્મણ લાકડાનો બનાવેલો નાનો રવઇયો, મુશળ ધુસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે. આ દરેક વિધિઓ પાછળ સુંદર અર્થો રહેલા છે, જે ટુંકમાં અહીં જોઇએ.

લગ્ન :- બે વિજાતિય દેહના વિધિ પૂર્વકના જોડાણને લગ્ન કહે છે. પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. જેનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે એ જ ખરા લગ્ન છે.

વરઘોડો :- ઇન્દ્રિયો રુપી ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.

પોંખણું :- વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઇ, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે. તેનો અર્થ આ પ્રમાણે છે.

રવઇયો :- માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ દાંપત્ય જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.

મુશળ :- વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી, પ્રેમ પ્રગટાવવાનું કહે છે.

ધુંસરી :- સંસાર રુપી રથને પતિ-પત્ની રુપી બે ચાલકો છે. આ બંને ચાલકો શિલ અને સંયમના ચીલામાં સમાંતર રુપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચી સુખી થાય, એમ કહેવા માગે છે.

તરાક :- લગ્ન જીવન રેટિંયા જેવું છે. પતિ-પત્ની રુપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહ રુપી સુતર નીકળે એમ કહેવાનો મતલબ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે. એનો જવાબ વર સંપુટ તોડીને આપે છે.

સંપુટ :- વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું, આજથી મારા એકલાની આશા, ઇચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહિં ભાંગીને ભુક્કો કરું છું. હવેથી અમારા બંનેની આશા, ઇચ્છા અને અરમાનો એક હશે અને તે પ્રમાણે જ સાથે મળી જીવન યાત્રા કરીશું.

વરમાળા :- ફૂલના હારથી વર-કન્યા અરસ પરસનું સ્વાગત કરે છે, પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

હસ્તમેળાપ :- લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ (પાણિ) મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના હૈયામાં આત્મિયતા પ્રગટે છે. સાથોસાથ જાનૈયા-માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

મંગળ ફેરા :- લગ્નના ચાર ફેરા એ પુરુષાર્થના ફેરા છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરુષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ ? તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરુષાર્થઃ (૧) ધર્મ-ધર્મ પાળવો પળાવવો, (૨) અર્થ-પૈસા કમાવા, (૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો, આ ત્રણેમાં પુરુષ આગળ હોય છે અને પત્ની એને અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો (૧) ધર્મઃ- સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં-સંબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો વગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળે છે. (૨) અર્થ :- પતિ કમાઇને પૈસા લાવે તેનાથી પત્ની ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. (૩) કામ :- સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે. વંશવૃદ્ધિ અર્થે એ હંમેશા પતિને અનુસરે છે.

આ ત્રણેય - ધર્મ, અર્થ અને કામ એ પતિ-પત્નીની ઇચ્છાનુસાર થઇ શક્તા પુરુષાર્થો છે. જ્યારે ચોથો ફેરો મોક્ષ એ કોઇની ઇચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા સુશ્રુષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, વડિલો પ્રત્યેનો આદર, સેવા-સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરુણા તથા સંતાનો પ્રત્યે સમતા-મમતા. આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે તે મોક્ષના માર્ગ પર પુરુષ કરતા આગળ છે અને એટલે લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.

સપ્તપદી :- આ શ્લોકો ગોરબાપા બોલતા હોય છે. એ દ્વારા વર-કન્યા અરસ-પરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના કોલ આપે છે.

મંગલાષ્ટક :- લગ્નવિધિ પૂરો થતાં ગોરબાપા નવદંપતિને આશિર્વાદ આપતા શ્લોકો બોલે છે અને તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નિવડે એવી મંગળ કામનાઓ કરે છે.

રામ દિવડો :- વિદાય વખતે કન્યાની મા પ્રગટાવેલ દિવડો હાથમાં લઇને વિદાય આપવા આવે છે. આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દિકરી ! તેં તારી સેવા, સુશ્રુષા અને સદ્‌ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ હવે તું એ સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.

આવતી પોસ્ટમાં આપણે જાણીશું ચૌદમા સંસ્કાર એવા "વાનપ્રસ્થ સંસ્કાર" વિશે...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....

Gujarati Religious by Kamlesh : 111753721
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now