પ્રત્યક્ષ હોય તો કદાચ એટલો ન ચાહી શકું
જેટલો અપ્રત્યક્ષ...
કેટકેટલી રીતે કલ્પી શકું તને
ઈચ્છું એ રૂપે, ચાહું એ રંગે, અશક્ય એવા સ્થાનોએ, અકલ્પ્ય કાયાએ...
મારી છાતી પર થઈ કમર સુધી ફરતી કાળી કીડી તરીકે તને કલ્પું તો !
તરવરાટ... અસહ્ય એવો તરવરાટ...
મારા પગની પિંડીએ સ્પર્શી જતી કોઈ પાંખડી કે ચબરખી બની તુૃં સ્પર્શી જાય તો !
જાણે ખળખળતાં નીર...
રોજ મારા હોઠને વારંવાર મન ભરીને ચૂમતો કૉફી મગ, જો તુૃં હોય તો !
કૉફી જ પીધે રાખું હું પછી...
વરસાદે કે ફૂવારે, ધારદાર વરસતું મને ભીંજવતું પાણી તારું રૂપ હોય તો !
જે ઝણઝણાટી તે હાલ અનુભવી ને, એના સોગંધ
તનને કોરું જ ન થવા દઉં...
ઈચ્છું એ રૂપે, ચાહું એ રંગે, અશક્ય એવા સ્થાનોએ, અકલ્પ્ય કાયાએ...
જડ-ચેતન, સ્થૂળ-સૂક્ષ્મ, આત્મિક-ભૌતિક - જ્યાં-જ્યાં, જે-જે, જેમાં-જેમાં કલ્પી શકાય
કલ્પવો છે તને.
એમ જ નિરંતર જીવવો છે ને ચાહવો છે તને.
તુૃં ?!?!?!