ચલ એય સસલા !
તુૃં આભ છે ને ? તો,
થઈ જા
એક વાર વાદળ
ને ભરી લે
ટાઢાં, મીઠાં, લપસતાં નીર
જેટલાં મારી ત્વચામાં છિદ્રો હોય
એટલો વ્યાપી જા
વરસીને તુૃં
થઈ જા ટીપાં
ઝીણી ઝીણી સોય જેવા
ને ભોંકાઈ જા મારાં
રૂંવેરૂંવે
મધમાતો મલય થઈ જા
ઉડાવીને
લઈ જા મને, તારી
આરપાર
તારી ધારાએ બની જાય નદીઓ ને
વહી આવે
મારા સુધી, ત્યારે
થઈ જજે તુૃં, સળવળતી
રેત
મારી ભીતર, બહાર, ચોમેર
તુૃં જ તુૃં !
આળોટતી, પલોટતી, ખારી થતી જતી હું
સમાવી લઉં તને ઊંડે ઊંડે
તને જ પીઉં
તને જ ઊલેચું
તારામાં બળીને હું
ફરી તને જ
આવી મળું, ત્યારે
જ્યારે
થઈ જાય તુૃં
વાદળ,
ને હું
ટાઢાં, મીઠાં, લપસતાં નીર...
--નિર્મોહી
...ને પહેલો વરસાદ મુબારક..🌧