તમને આ દુનિયામાં સૌથી વધુ દુઃખ પહોંચાડવાની તાકાત કોની પાસે છે? એ વ્યક્તિ પાસે કે જેને તમે અનહદ પ્રેમ કરો છો. હા, એ પ્રેમ જ છે જે તમને અત્યાધિક આનંદની અનુભૂતિ કરાવી શકે છે તો સાથે સાથે અત્યાધિક દુઃખ પહોંચાડવાની પણ ક્ષમતા ધરાવે છે. પારકા વ્યક્તિ કે દુશ્મન પાસેથી લાગતો ઘા તો ફક્ત શરીરને વીંધી શકે છે; પરંતુ પોતાના અંગત વ્યક્તિ પાસેથી લાગેલો ઘા તો હૃદયને વીંધી નાખવાની તાકાત ધરાવે છે... કદાચ એટલે જ પ્રેમની અભિવ્યક્તિમાં લોકો જ્યારે પણ પ્રેમ દર્શાવવાનો હોય ત્યારે તીરથી વીંધેલા દિલને દર્શાવે છે. એનો મતલબ કે તમે એ વ્યક્તિને એટલો પ્રેમ કરો છો કે એને તમારું દિલ વીંધી શકે કે દિલ તોડી શકે એવી શક્તિ આપવા તૈયાર થયા છો. નહિતર પારકા લોકોની શું વિસાત કે તમારો વાળ પણ વાંકો કરી શકે!