ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે શ્રી નીતિન પટેલ દ્વારા ભવન્સ ક્લચરલ સેન્ટરમાં 'જીવતી કલમ' ના બૅનર હેઠળ એક નવીનતમ પ્રયોગ કરવમાં આવ્યો. જે કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુકુમાર પંડ્યા, શ્રી દેવેન્દ્ર પટેલ તથા શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની વિશેષ ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમને આશિષ આપ્યા.
'જીવતી કલમ' શું છે તેના જવાબમાં આયોજક શ્રી નીતિન પટેલ જણાવે છે કે આ એક એવો મંચ છે કે જે એવા અનેક સાહિત્ય પ્રેમીઓને વાચા આપે છે જેમની કલમ જીવતી હોવા છતાં મંચ વિહીન છે. નવોદિત લેખકો અને કવિઓને પ્રોત્સાહન તથા સહકાર આપી તેમની પ્રતિભા પ્રગતિ પામે તેવા કાર્યક્રમ કરવા, તથા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરવા માટે પડતા સંઘર્ષ નો ભાર દૂર કરી શકાય તથા કોઈ પણ પ્રકારની જૂથબંધી વગર માત્ર અને માત્ર પ્રતિભા ના આધારેજ નવી નવી શ્રેષ્ઠ રચનાઓ તથા સાહિત્યકારોની ભેટ ગુજરાતી સાહિત્યને આપવાનો પ્રયાસ કરી શકાય
આ સુંદર અને ભગીરથ કાર્યના પ્રથમ પ્રયોગમાં અર્ચના ચૌહાણ, ખુશાલી પટેલ, અભિમન્યુ મોદી, ગિરીશ રઢુકીયા તથા યોગેશ ભટ્ટે જીવતી કલમ ની માળાના પહેલા મણકા તરીકે પ્રસ્થાપિત થઈને પોતાની રચનાઓ દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
કોરોનાના કપરા કાળ દરમિયાન પણ જીવતી કલમને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ પછી અન્ય પ્રયોગ પણ ટૂંક જ સમયમાં રજુ થશે. જીવતી કલમ તમામ નવોદિત લેખકો, કવિઓ, સાહિત્યકારોને તથા સાહિત્ય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિઓને હૃદય પૂર્વક આવકારે છે.