કોઈ કહો એને ;
આ લાગણીનો રોગ છે,
ન સમજાય એવો.
ઘડીભરનો વિરહ ક્યાંથી ક્યાંય ફંગોળી દે વર્તમાનને !
આગલી પળનો ઢોળેલો બધો જ સ્નેહ
એ એક વિરહપળમાં ઈતિહાસ બની જતો હોય છે !
કોઈ સમજાવો એને ;
ભરોસો ને એતબાર - આ બેય પર પ્રશ્નો ન કરે એ.
અરે, એતબાર ન હોય તો વિરહની પળનો અનુભવ પણ ક્યાંથી હોય?
ક્ષિતિજનેય ભેદી જાય એવા ઈંતેજારની નજર પણ ક્યાંથી હોય ?
બે ઘડી ન મળી શક્યાં એ વસવસાનાં ખુશનુમા રુદન ક્યાંથી હોય ?
કોઈ તો એને લખો ;
એનાં મૌન, એનું લાસ્ય, એની ટીખળ, એનો ક્રોધ...
એની હાજરી, ગેરહાજરી, દરદ, ચેન, આરામ...
અરે, એના અસ્તિત્વના પ્રત્યેક અંશથી પ્રેમ છે મને.
એ મિશે મારાં ક્ષણિક વર્તનથી શું પ્રેમ નથી એને !?
કે વણમાંગ્યે લીધેલાં એ વર્તનના અધિકારથી
શું પ્રેમ નથી એને...!
©અનુ.
તને ચાહવા તારી પરવાનગીની જરૂર નથી.