"મને સ્વીકાર નથી " (I DON'T ACCEPT)
નથી કોઇ પાપનો ડર કે નથી કોઇ પુણ્યની આશા,
તારી આ સંબંધોની રમતમાં ભલે ફરી વળતી ચારે કોર નિરાશા.
જન્મથી જ તેં આપ્યા એટલે જીવનભર નિભાવવા એ જરૂરી તો નથી જ,
તારા નામના સહારે જીવનભર સ્વાર્થની આગમાં બાળે અને મારે બળવું એ જરૂરી તો નથી જ,
હશે ગમે તેટલો પવિત્ર એ સંબંધ તારા બનાવેલા આ લોકમાં,
પણ લોકોના ડરે હું તેનો જીવનભર સ્વીકાર કરીને જીવું એ જરૂરી તો નથી જ.
બધા નહી પણ થોડા તો તને જરૂર પાછા આપીશ , સ્વાર્થના આ સંબંધનો મને હવે સ્વીકાર નથી.
તોડીશ, હવે જાણી જોઇને તોડીશ, વગર માગ્યે આપેલી તારી આ સંબંધોની બેડીઓને,
તેં પણ તો ઘણી તોડી (છીનવી)છે, મેં બનાવેલી, મને ગમતી બેડીઓને.
તારી આ રમત પાછળ ભલે હોય તારા સારા ઈરાદાઓ,
આકાર આપ્યો છે તો આકાર બનીને સમજાવ,
નિરાકાર બનીને મને આમથી તેમ ના દોડાવ.
ખુદ રહીને નિરાકાર તેં આકારોની વચ્ચે મને ભેળવીને આ રમતની શરૂઆત તો સારી કરી છે,
હું પણ શું કરું, તારો કોઇ આકાર નથી અને તારા બનાવેલા આ આકારો પર મને હવે વિશ્વાસ નથી,
આ વિશ્વાસની સંપૂર્ણ હત્યા થાય એ પહેલાં કૃપા કર મારા પર,
મને શક્તિ આપ કે તારા બનાવેલા આ આકારોમાં નિરાકાર એવા તારા સ્વરૂપને અનુભવી શકું.
સંબંધોની તારી આ રમતમાં તું મને પ્રેક્ષક(સાક્ષી)નું સ્થાન(અનુભવ) આપ.
(જ્યારે કોઇ તમારી ભુલો પર તમને વઢવાનું પણ છોડી દે,
તો તેને તમારી જીત નહીં પણ જીવનની મોટામાં મોટી હાર સમજજો,
કેમકે બની શકે કે તમે એ લાયક પણ નથી રહ્યા કે કોઇ તમારી સાથે લડી શકે.)
-ચિરાગ કાકડિયા