એવી રીતે તો ફક્ત ધુમાડા કરી શકો,
ઈર્ષ્યાનું તેલ લઈને ન દીવા કરી શકો.
ખુલ્લું રહે હૃદય, ને હો સૌ માટે આવકાર,
જીવનમાં એટલી તો સરળતા કરી શકો.
એવા જ સંત કે ગુરૂ સાચા ગણાય છે,
કે જેની સામે પ્રશ્ન ને શંકા કરી શકો.
ટોળાની વચ્ચે રહી તમે બીજું કરોય શું?
બહુ બહુ તો સાથે સૌ મળી 'હો-હા' કરી શકો.
મારી શકાય એને, ન એના વિચારને,
જીવ્યા છે સત્ય, એને ન ઝાંખા કરી શકો.
● સુનીલ શાહ