કૂંચી આપો બાઈજી!
તમે કયા પટારે મેલી મારા
મૈયરની શરણાઈ જી?
કોઈ કંકુથાપા ભુસી દઈ
મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઠોળની મરજાદા દઈ
મને પાંચીકડા પકડાવો,
ખડકી ખોલો,બાઈજી!
તમે કિયા કટાણે પોખી મારા
કલરવની કઠણાઈ જી?
તમે ઘરચોળામાં ધુઘરિયાળી
ઘરવખરી સંકેલી
તમે અણજાણ્યા ઉબરિયેથી
મારી નદિયુ,પાછી ઠેલી,
મારગ મેલો બાઈજી!
તમે કિયા કુહાડે વેઢી મારા
દાદાની વડવાઈ જી?