25-05-2020 ખરતો તારો (ભાગ-૧)
ચા ની ચુસ્કી મારતા મારતા ન્યૂઝપેપર પર નજર ફેરવી રહેલા રમેશ કાકા ફોનની રીંગ વાગતા ઊભા થયા. HELLO બોલ્યા પણ સામેથી કોઈ અવાજ ન આવતા ફોન મૂકીને બેસવા જ જતા હતા ત્યાં પાછી રિંગ વાગી. પાછો ફોન ઉપાડીને HELLO બોલ્યા ત્યાં જ સામે રડવાના ડુસકા નો અવાજ સંભળાયો. ડુસકા સાંભળતા વધી ગયેલા ધબકારા સાથે તે ફરી બોલ્યા કોણ ? પણ સામેથી કોઇ પ્રતિસાદ ના મળતા પાછા મૂંઝાયા. પણ આખરે સંભળાયેલા ડૂસકાં એ સમજી જતા તરત જ બોલ્યા કેમ રડે છે બેટા ? શું થયું ? ત્યાં જ સામેથી રડતા રડતા સિમરન બોલી કંટાળી ગઈ છું પપ્પા હું આ બધાથી. રોજ કેટલુ બદનામ થઉ ? રોજ કેટલો માર ખાઉ ? રોજ કેટલું સહન કરુ ? રમેશ કાકા બોલ્યા તો આજે જ પાછી આવતી રે બેટા "જે થશે એ હું હવે જોઈ લઈશ. હજુ બાપ જીવે છે તારો. જીવુ છુ ત્યાં સુધી તારી આંખમાં આંસુ હું નહીં જ આવવા દઉ, તુ હમણાં જ પાછી આવી જા"
રમેશકાકા એ કરન ને બોલાવી તો લીધો પણ ઘર માં પ્રવેશતા કરન ને સામે જોઇ સિમરન ચોંકી પડી. તેના રડવા માટે એક નહી પણ બે ખભા તૈયાર છે તેનો હરખ તેને થોડા અંશે તો થયો જ. સાત વર્ષ પછી પોતાની સખી જેને તે ચાહવા લાગ્યો હતો તેને મળવાની ઉતાવળ તેના ચહેરા પર છલકાઇ રહી હતી. નાનપણથી અનાથ અને ખૂબ મહેનતુ કરન સિમરન સાથે ભણતો. બંને એકબીજા ના ગળાડુબ પ્રેમ માં હતા ત્યાં જ સિમરન ના પપ્પા ની "ના" નો કડવો ઘુંટડો સિમરન એ પીવો પડ્યો જ્યારે કરને નક્કી કરી લીધું હતું કે તે હવે કોઇ બીજાને પ્રેમ નહીં આપી શકે જેને તે ચાહતો હતો એ તો આખરે પરણી જ ગઇ બીજાને. પોતાના પપ્પા ની બાજુ માં બેસતા ની સાથે જ તેના હોઠ વચ્ચે દબાયેલી વેદના તરત જ નીકળવા લાગી.
મારે તો લગ્ન પછી ના પહેલા દિવસે જ સમજી જવાનું હતું કે આ લોકોને વહુની નહીં પણ એક કામવાળી ની જરૂર લાગે છે. સવારે છ વાગ્યામાં જોર જોર થી દરવાજો ખખડાવતા સાસુ બોલ્યા વહુ ઉઠી જજે હવે છ વાગ્યા, આજે કામ ઘણા છે ઘરમાં. ખબર નહીં પાણી પણ એ જ દિવસે બંધ થવાનું હતું એમ સામેના મ્યુનિસિપાલિટીના નળમાંથી સાત બાલ્ટી પાણી ભરીને આવી ત્યાં જ પાછી બૂમ પડી, પાણી છોડ પહેલા ચ્હા બનાય અમને પહેલા ચ્હા જોઇશે. તુ રોજ આમ કરીશ તો કેમ ચાલશે. ચ્હા નો છેલ્લો ઘૂંટડો ગળે ઉતરે ત્યાં જ પાછી બૂમ પડી કે કાલ રાતના વાસણ ઘસવા ના બાકી છે તે ઘસી ને જ નાહવા જજે તો આગળ રસોઈ બનાવવાની ખબર પડે, અને હા રાજને પણ બધું હાથમાં હવે તારે જ આપવુ પડશે તો એનુ પણ ધ્યાન રાખજે નહીં તો એનો પારો ગમે ત્યારે વધી જાય તો પછી રડવા કે મને કહેવા ના આવતી. વાસણ અને નાના મોટા કામ પતાવી નાહી-ધોઈને ભગવાનના દર્શન જ કરતી હતી ત્યાં રાજ ની બૂમ પડી કે એ ભગવાન ને મુક પહેલા તારા જીવતા ભગવાન પર ધ્યાન આપ. મને ચા વધારે જોઈએ એ યાદ રાખી લે અને ફટાફટ થોડી બીજી બનાવી દે અને બીજી વાત મારા ચાર્જર માં ફ્કત મારો જ મોબાઈલ ચાર્જ થશે તારા માટે તુ અલગથી લઇ લેજે.
ક્રમશઃ