આજના દિવ્યભાસ્કર , રસરંગમાં પ્રકાશિત ગઝલ..
પ્રથમ તો ચામડી ને હાડકા જરૂરી છે
આ ગોઠવાય પછી આતમા જરૂરી છે
તમારી વાતનો સ્વીકાર થાય એ માટે
તમારી આંખમાં પણ વારતા જરૂરી છે
ખુલે જો ઓરડો એક જ તરફ નથી ગમતું
બધી દિશામાં હવે બારણા જરૂરી છે
છૂપો રહે ના આ જંગલમાં કોઈનો પગરવ!
દરેક વૃક્ષ નીચે પાંદડા જરૂરી છે
હવાની બીક બધાને બતાવવી જો હોય,
બધા મકાન ઉપર છાપરા જરૂરી છે
અમુક સ્વભાવની હલકાઈ જોખવા માટે
નવા વજન ને નવા કાટલા જરૂરી છે
જનમથી જિંદગી ભેદે છે સાતમો કોઠો
દરેક શ્વાસને શુભકામના જરૂરી છે
ભાવિન ગોપાણી