#Book_15
#lockdown_rereading
#આંગળિયાત . .....!
એક આથમી ગયેલી સંસ્કૃતિ અને સાયાસપણે વિસારે પાડવામાં આવી રહેલ સામાજિકતાની વાત છે આંગળિયાત ! એ સમાજવ્યવસ્થાની પુન:પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી ; પણ એમાં રહેલ સત્વશીલતાના પુરસ્કારનો ઉદેશ્ય છે.
1935 થી '60 સુધીના અઢી દાયકાની આ કથામાં સામાજિક અન્યાય અને ઉવેખાયેલી એક જાતિ પ્રત્યેના સંપન્ન સવર્ણોના હાડોહાડ દ્વેષ નો પણ ચિતાર છે.કચડાયેલી જાતિઓએ મૌન-મૂક અત્યાચારો વેઠયા જ કરવાના એવો વણલખ્યો કાનૂન ચાલ્યો આવ્યો છે ગામડાઓમાં. અત્યાચારો અને સામુદાયિક હત્યાકાંડો તો નોખાં. આ કથા ખાસ તો એટલું બતાવે છે કે પોતાના અપરાધોનાં પરિણામોમાંથી કાયદેસર રીતે છટકી જવામાં કહેવાતાં સવરણો પાવરધા અને સાધનસજજ છે !
આ કથામાં ચરિત્રોની ગતિ એમની પોતીકી સ્વભાવગત વિકાસયાત્રા છે. પોતાના ઉછેર પ્રમાણે જ વર્ત્યા છે, જીવ્યાં છે, ઝુઝયાં છે ને ના જ ચાલ્યું ત્યારે નમી ગયાં છે. ઘટનાઓ આકસ્મિક નથી નોતરાઈ. જે રીતે એ બની -બને એજ રીતે નિરુપાઈ છે. પરિણામે સાચકલાં પાત્રો સાબિત કરે છે વાસ્તવિકતાને.
કથાપટમાં આધુનિક સેન્ટની નહિ ; પણ માટીની સાચકલી મહેક છે. આ કથાના આવિર્ભાવની પાછળ સૈકાઓના પીડિત લોકસમુદાયનાં આંસુ અને આઘાતો, મથામણો અને ઉમંગો, ધૈર્ય અને અગનપારખાંઓનું એક વિરાટ બળ પડેલું છે. દલિત -સમૂહ આખેઆખો માત્ર બોલતો નથી, શ્વસે છે,વાચકોને સમસંવેદિત કરે છે.
લેખકનું સાહિત્યસર્જન સમસંવેદન, સમભાવ અને સમજણથી કયાંય આગળ વધીને કથ્ય વિષય તથા પાત્રો સાથે પૂરેપૂરી અભિન્નતા સાધે છે. જીવન અને સાહિત્યની સરહદોને સંપૂર્ણ પણે એકરૂપ કરી દેવાનું સર્જકકૃત્ય લેખકે જીવી બતાવ્યું છે. ગુજરાતના તળપદા લોકજીવનના અસ્પૃષ્ટ અને વણઉઘડયા ખૂણાને પોતીકી ભાવગત સચ્ચાઈથી અનાવૃત કર્યો છે.
ધીંગી સર્જકતાને વંદન !
copyed