'મળેલા જીવ' એટલે પન્નાલાલ પટેલની ઉત્કૃષ્ટ પ્રણયકથા
'મળેલા જીવ' વાંચવા બેસીએ તો આપણી આસપાસનું જીવંત વાતાવરણ ભૂલી જવાય છે.
પન્નાલાલ પટેલના અદ્ભૂત કાલ્પનિક પાત્રો જીવી અને કાનજી સગી આંખે માનસપટ પર તરતા રહી પ્રવાસ કરતા જોવા મળે છે.
મળેલા જીવના મુખ્ય બે પાત્રો જીવી અને કાનજી ગુજરાતી સાહિત્યના અદ્ભૂત પાત્રો છે.જેમ જેમ વંચાય તેમતેમ ઊંડું જ ઉતરી જવાય.જીવ મળી ગયા પછી નાત-જાત જેવું કંઇ રહેતું નથી,પ્રેમ એ કોઈ જાતીનો મોહતાજ નથી તે મળેલા જીવના પાત્રો જીવી અને કાનજીમાં જોવા મળે છે.
'કળશેરી' મેળામાં જીવી અને કાનજી ચકડોળમાં જોડાજોડ બેસતાં,આંખ મળી જતાં આ પ્રણયકથાની શરૂઆત થાય છે.જે પ્રણયકથા અંતે આત્મ વિનાશક બની જાય છે.
ખૂબ જ પ્રેમ કરવા છતાં સામાજિક સંજોગોને લીધે લગ્ન ન કરી શકનાર કાનજી પોતાની સાથે નહીં તો કંઇ વાંધો નહીં પણ નજર સામે તો રહેશેને એ લાલચે ગામના જ એક વાળંદ દેખાવમાં બટકો એવા ધૂળા જોડે લગ્ન કરાવી દે છે પણ સમય જતાં વહેમીલા પતિ ધૂળાના કારણે જીવીના જીવનમાં તો દુઃખોના ઝાડ ઊગી જાય છે અને પછી પ્રેમના ઝૂરાપાનું દુઃખ જીવી અને કાનજીને સર્વનાશ તરફ દોરી જાય છે.
પ્રણયકથામાં તળપદા શબ્દોની પણ એક આગવી ઓળખ અને છટા ઊભી થાય છે.મળેલા જીવના કાલ્પનિક પાત્રો જીવી અને કાનજી એ એવા પાત્રો છે જે સ્થાનિક લોકજગતની સામાજિક વિષમતાને સમાવે છે.
ઘણીવાર કાનજીના પાત્ર વિશે થોડી નકારાત્મક દ્રષ્ટિકોણ પણ કેળવાય કે, જે જીવી કાનજીના એક વેણ ઉપર પોતાનું ઘરબાર છોડીને કાનજીની આજ્ઞા સાથે ચાલી નીકળતી હોય તો કાનજીએ પણ જીવીને થોડો ટેકો આપવો જોઈતો હતો.દુઃખના પહાડોમાં નરકમાં ફસાયેલી જીવીને બહાર કાઢવાના તેણે પ્રયત્નો કરવા જોઈતા હતા. શહેરમાં ચાલ્યા જવાને બદલે જીવીની આસપાસ રહેવું જોઈતું હતું તો જીવીને પણ થોડી તાકાત રહેતી.
એકબાજુ કાનજી પ્રેમસંસાર ચાલું રાખવા જીવીને પોતાના ગામમાં જ ધૂળા સાથે પરણાવી અને બીજી બાજુ જ્ઞાતિભેદ અને મરતા બાપે અપંગ મોટાભાઈની સોંપેલી જવાબદારી આથી આ બધાથી કંટાળીને હારેલો કાનજી મજબુર થઈને શહેર ચાલી જાય છે.આ બધું જોતા કાનજી તરફની નકારાત્મકતા આપણને ફરી હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવા મજબુર કરે છે.
મળેલા જીવ પ્રણયકથામાં સુખસાગરમાં ડૂબકી મારવા ઇચ્છતા જીવી અને કાનજીની એક મોટી ભૂલ બન્નેને દુઃખોના સાગરમાં ડૂબવા માટે મજબુર કરી દે છે.સાચા પ્રેમ ખાતર બંને હાથે કરીને
નરકમાં પડી જાય છે.ઘણીવાર નવલકથા વાંચતા વાંચતા જીવી પર ગુસ્સો આવી જાય કહેવાનું મન થાય કે, હે અણસમજુ આવી રીતે તો કોઈની પાછળ બધું છોડીને ચાલી નીકળાય ?
એ પણ એના થઇને નહીં પણ બીજાના માટે !
આટલું દ્રઢ મનોબળ ધરાવનાર જીવીએ પતિના મારને કેમ સહન કર્યો ? શું તેને સામે મારી શકાય એટલી પણ તાકાત ન્હોતી ? પોતાની સાથે દગો કરનાર કાનજી સામે પાછું વળી વળીને શું કામ જોયા કર્યું ?
છેલ્લે તો પ્રણયકથા વાંચતા વાંચતા શૂન્યમનસ્ક થઈ જવાય.'એક પા લોહીના કોગળા તો બીજી બાજુ પ્રીતના ઘૂંટડા' જીવીએ પોતાનો અંત આણવા માટે રોટલામાં ભેળવ્યું'તું તે ઝેર અજાણતા ધૂળો ખાઈ જાય છે અને મરી જાય છે ત્યારે આખી દુનિયાથી તિરસ્કાર પામેલી જીવી જીવતે જીવ મરી જાય છે અને ગાંડી થઈ જાય છે.અંતે ગાંડી બનેલી જીવીને છેલ્લે કાનજી પોતાના જીવનમાં સામેલ કરે છે.આમ પ્રણયકથાનો દુઃખદ અંત આવે છે.