બાળપણને નાથવાની સૌ મથામણ હોય છે,
ચોપડીમાં કયાં જીવનનું કોઇ શિક્ષણ હોય છે!
કાનો ગોવર્ધન ઉપાડે તો જગત લીલા કહે,
રોજ બાળકના ખભે દફતરનું ભારણ હોય છે.
કયાં જશે મૃગજળ તરફ દોડી બિચારું બાળપણ?
ડીગ્રીઓનું ત્યાંય સહરા જેવડું રણ હોય છે.
લાખ ખોટું શીખવો, સાચું જ બોલે અંતમાં,
એક નાના ભૂલકામાં સાચી સમજણ હોય છે.
બે સવાલો પૂછજો પરખાઇ જાશે ખાનદાન,
નાનું બાળક એજ ઘરનું સાચું દર્પણ હોય છે.
જન્મ જન્માંતરનું ભાથું બાંધી આવે છે અહીં,
સાવ ખોટી વાત, બાળક ખાલી વાસણ હોય છે.
કેટલાંનાં સાંભળે "સાગર"વચન ને ભાષણો?
એક નાના જીવને મોટી શિખામણ હોય છે.
રાકેશ સગર; સાગર