મને હાથમાં લઇને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભુક્કો કરે છે,
પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે.
મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ,
પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે.
નગરની આ રોનકને આંખોમા આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી,
અમારી ગલીનાં વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે.
હું ઊભો છું વર્ષોવરસથી અહીં એક મોંઘી જણસ કોઇની સાચવીને,
કોઇ વનમાં વર્ષોવરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે.
જે તણખા ની વાતો કરે છે સતત એમણે કૈં જ કીધું નથી મેં હજું પણ,
હું છોડીને આવ્યો છું એવા નગરને, હવા પણ જ્યાં આવીને દિવો કરે છે.
- અનંત રાઠોડ