હિંમત વિના સંકટ કદી પડકાર નહીં થાય
પડકાર વિના જિંદગી દમદાર નહીં થાય
બાહરની લડાઈ પછી જીતાય કહો કેમ!
દર્પણનું પ્રતિબિંબ જો લલકાર નહી થાય
મૂર્તી સુધી આવી અને અટકી ગઈ દૃષ્ટિ
શ્રધ્ધા વિના તો દૃશ્ય નિરાકાર નહી થાય
તારા વિના જીવન નથી ચાહ્યું છતાં, સાંભળ!
તારા વિના આંખો કદી ચોધાર નહી થાય
પહેર્યા છે અલંકાર છતાં કંઈક ખૂટે છે
જોવે નહી જો તું, પૂરો શણગાર નહી થાય
આંસુને છુપાવી અને હસતી રહે હંમેશ
મા જેવો કદી કોઈ કલાકાર નહી થાય
સન્માન ગરીબીનું ખુમારીથી છે 'રોશન'
લંબાવી અને હાથ એ લાચાર નહી થાય
કિરણ 'રોશન'