તું મને જોઈ રહી છે એ બધાનો પ્રશ્ન છે
વ્યસ્તતામાં મેં ન જોયું એ મજાનો પ્રશ્ન છે.
આપણે તો હાથ ફેલાવી અને બેસી ગયા,
આપવું ના આપવું એ તો ખુદાનો પ્રશ્ન છે
એકબાજુ મેં હ્રદય ને એકબાજુ મન મૂક્યું,
કઈ તરફ નમવું હવે એ ત્રાજવાનો પ્રશ્ન છે.
આપ છોડી જાવ નહીં એથી કહ્યું ના આપને,
પ્રેમ મારો આપનાથી એક છાનો પ્રશ્ન છે.
લોક મારે છે મને પળ પળ હવે દુનિયા મહીં,
બે ઘડી 'પ્રત્યક્ષ' આજે જીવવાનો પ્રશ્ન છે.
રવિ દવે 'પ્રત્યક્ષ'