એમને ના સમજાવો સાહેબ
દંડો હવે લગાવો સાહેબ
લોકડાઉનથી નહીં જ ચાલે
કરફ્યુ હવે લગાવો, સાહેબ
તેજી હોય તો હોય ઇશારો
ડફણા હવે લગાવો , સાહેબ
ભંગ કરે જે કરફ્યુ કેરો
કોણી વડે ચલાવો, સાહેબ
કાયદા કેરો અમલ તમે હવે
કડક થઇને કરાવો, સાહેબ
આડેધડ થાતા આ ફોરવર્ડ
સંદેશા અટકાવો, સાહેબ
જાણે ઉત્સવ હોય આંગણે
એમ લૂંટતા લ્હાવો , સાહેબ
ફરે રખડતા રસ્તે, કરતા
હીરોગીરીનો દાવો, સાહેબ
માસ્ક તો આડો આવે એમને
થૂંકવા જોઇએ માવો, સાહેબ
ત્રણેય નવરા નખ્ખોદ વાળે
હું ,મંગળદાસ ,બાવો, સાહેબ
ગંભીરતા ના લાગે જેમને
ગંભીર તમે બનાવો , સાહેબ
જરુર છે હવે કરિયાતાની
ના ચા, કોફી, કાવો ,સાહેબ
કડવા ડોઝને નાક દબાવી
એમને પડશે પાવો, સાહેબ
મોંઘો પડશે આ કિસ્સામાં
પાછળથી પસ્તાવો, સાહેબ
આદ્યશક્તિ તો રક્ષા કરશે
ગરબો ઘરમાં ગાવો, સાહેબ
- તુષાર શુક્લ