વિશ્વ કવિતા દિવસની શુભકામના સાથે એક ગઝલ...
પૂજારી એમ શ્રદ્ધા ગોખના પથરામાં રાખે છે,
જુગારી જેમ શ્રદ્ધા આખરી સિક્કામાં રાખે છે.
એ મારા સ્મિતની સામે ફકત માથું હલાવીને,
ઘણી મોંઘી હતી એ ચીજ ને કડદામાં રાખે છે.
બધાયે ક્ષેત્રમાં છે બુદ્ધિશાળી માણસો અઢળક,
જે ભેગા થઈને કોઈ મૂર્ખને સત્તામાં રાખે છે.
એ માણસ ખૂબ શ્રદ્ધાળુ છે એનો આ પુરાવો છે,
એ શ્રદ્ધા સ્હેજ પણ ક્યાં અન્યની શ્રદ્ધામાં રાખે છે?
અભિનંદન તને ગાંધી, ચલણમાં સ્થાન છે તારું,
અને અફસોસ કે લોકો તને ખિસ્સામાં રાખે છે.
પ્રસિદ્ધિ મંચની મહોતાજ છે એવું કહ્યું કોણે?
કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે.
ભાવિન ગોપાણી