કેતુ ગ્રહ બિલાડીથી આપે છે શુકન અપશુકન
પ્રકૃતિ દરેક ઘટનાક્રમનો પૂર્વ સંકેત પણ કરે છે. પરંતુ તેને સમજવાની શક્તિ માણસ કરતાં વધારે પ્રાણીઓમાં હોય છે. આવું જ એક પ્રાણી છે બિલાડી, બિલાડી જ્યારે રસ્તામાં આવતાં-જતાં જોવા મળે ત્યારે તેને અપશુકન માનવામાં આવે છે. ખાસ કરીને યાત્રા સમયે આ સંકેત મહત્વના બની રહે છે. તે શુભ માનવામાં આવતો નથી. સામાન્ય રીતે કેતુ ગ્રહ બિલાડી થકી સંકેત આપે છે. તેથી જ બિલાડીના શુકન – અપશુકન અચૂક માનવામાં આવે છે.
બિલાડી રસ્તા પર આડી ઉતરે તો તેને અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ જ્યારે આવું થાય ત્યારે લોકો થોડીવાર માટે અટકી જાય છે. જો કે આ માન્યતા સંપૂર્ણપણે સત્ય નથી. બિલાડી જો ડાબેથી જમણી જતી હોય તો તે શુભ નિવડે છે. પણ જો જમણેથી ડાબે જતી હોય તો તે અશુભ નિવડે છે. જ્યારે બિલાડી રસ્તો કાપે અને તેની નજર તમારા પર હોય ત્યારે જ તેને કોઈ ઘટના તરફનો સંકેત સમજવો જોઈએ. વળી બિલાડીનો રંગ પણ મહત્વ ધરાવે છે. જો બિલાડી કાળી હોય તો તે ભારે અપશુકન ગણાય છે.
બિલાડીની આંખની ચમક અને રંગ કેતુના રંગ અને તેનું પ્રતિનિધિત્વ કરે છે. કેતુ પણ રાહૂની જેમ છાયા ગ્રહ અને દુષ્ટ ગ્રહ છે. જ્યારે કાળો રંગ શનિનો રંગ છે અને શનિ એક ક્ષણમાં પણ વ્યાપક પરીવર્તન કરવા માટે જાણીતા છે.
યાત્રા પર જતી વખતે આવી ઘટના બને તો બિલાડીની આંખમાં જોવાનું ટાળવું. વાહન ચલાવતાં હોય તો તેને થોડીવાર અટકાવી દેવું. આગળ વધતાં પહેલાં પાણીથી હાથ-મોં ધોઈ લેવા અને થોડું પાણી પીવું, સડકના કિનારે થોડીવાર બેસી જવું. ભગવાનનો યાદ કરી અને આગળ વધવું.