💜છંદ - મુત્દારીક છંદ
💙 બંધારણ -
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
💚💛💙💜🧡❤️💚💛
કરી ના શકે!?
તું મને પ્રેમ છોને કરી ના શકે !
જિંદગીની સફર આદરી ના શકે!
આંખમાં આજ જો ને ભરી પ્રેમને,
બૂંદ આંસુ જરા તો સરી ના શકે.
હું તને ક્યાં કહું છું મળી જા મને,
શ્વાસની જેમ કાયમ ભરી ના શકે?
મૃગજળ એક જો આજ તલસી રહ્યું,
કાળજાને સવારી હરી ના શકે?
વાર તારો થયો ઊર કંપાવતો,
આપતા ડંખ શાને ડરી ના શકે?
કેમ છોડી મને તું પછાડી ગયો?
પ્રેમ મારો બની તું વરી ના શકે?
તું મને વીંટળાયો વસંતે લળી
પાનખર જો બની તું ખરી ના શકે!
મૌન ભાળી મને દર્દ આપી ગયો,
ઘાવ દેખી મને કોતરી ના શકે.
વણકહી છે કહાની જરા આગની,
દિલ પથ્થર બનીને મરી ના શકે.
ના થયું જો મિલન આપણું શું થયું?
યાદ દિલમાં સજાવી સ્મરી ના શકે?
આજ લાગે મને જિંદગી આકરી,
કેમ "ઝાકળ" બની અવતરી ના શકે!?
ચેતના રાઠોડ ગોહેલ "ઝાકળ"
ભાવનગર