સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. તેમાં સૌથી પહેલો દિવસ એટલે કે રવિવાર સૂર્યનારાયણનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજા કરવામાં આવે છે. જો તમારી કુંડળીમાં સૂર્યદોષ હોય તો દર રવિવારે સૂર્ય નારાયણની પૂજા અચૂક કરવી. રવિવારની પૂજાથી સૂર્યદેવ ઝડપથી પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં તો એમ પણ કહેવાયું છે કે નિયમિત સૂર્ય દેવને એક લોટો જળ ચઢાવવાથી સમસ્ત પ્રકારના શારીરિક રોગમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત સૂર્યની ઉપાસના આયુષ્ય, રૂપ અને ઐશ્વર્ય પણ પ્રદાન કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો રવિવારે આ ઉપાયો તેણે કરવા જોઈએ. આમ કરવાથી સૂર્ય દોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
રવિવારે સવારે સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી દેવો અને સ્નાનાદિ કર્મ કરી લેવા. સફેદ વસ્ત્ર ધારણ કરવા અને ઉગતાં સૂર્યના દર્શન કરી તેમને ત્રાંબાના કળશમાં જળ ભરી અર્ધ્ય અર્પણ કરવો. જળ ચઢાવતી વખતે પાણીની ધારમાંથી સૂર્યદેવના દર્શન કરવા.
પૂજા કરતી વખતે આ નિયમોનુ પાલન કરો
– રોજ સૂર્યોદય પહેલા ઉઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ
– સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરો
– સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરો
– આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો
– નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરો
– રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરો અને એક સમય જ ભોજન કરો.