દવા થઇ જાય છે મિત્રો, દુઆ થઇ જાય છે મિત્રો,
ઘણી વેળા મટી માણસ, ખુદા થઇ જાય છે મિત્રો.
તમે કઠણાઈમાં હો તો ન પૂછશે કોઇ પણ તમને,
જો પૈસાદાર થઇ જાઓ, બધા થઇ જાય છે મિત્રો.
ઘણી વેળા સગા લોકો સગા જેવા નથી રહેતા,
ઘણી વેળા સગાથી પણ સગા થઇ જાય છે મિત્રો.
હવે તો બંદગીમાં પણ બરાબર ધ્યાન ના રહેતું,
કરું સજદા ખુદાના હું, અદા થઇ જાય છે મિત્રો.
બધા ખરતા રહે છે પાનખરના પાનની માફક,
હજુ કાલે મળ્યા, આજે કથા થઇ જાય છે મિત્રો.
જીવનનો તાપ જ્યારે ઉચ્ચ કક્ષાએ જ્યાં પહોંચે છે,
વરસવાને મુશળધારે ઘટા થઇ જાય છે મિત્રો.
'નિનાદ' એ ક્ષણ અમારી જિંદગાનીની છે બદતર ક્ષણ,
ભરી મહેફિલથી જયારે પણ ઉભા થઇ જાય છે મિત્રો.
- નિનાદ અધ્યારુ