🌹એવોર્ડ🌹
એક તો ઠંડીનો મૌસમ અને એમાં પણ મારા શરીરને લાગતી ડબલ ઠંડીનો અનુભવ.....
ઠંડીની સાથે ફૂલોની સુગંધ ,
ઠંડો ઠંડો હું અને ચારે તરફ ફૂલોની સુગંધથી લાગ્યું ...
અ.હા.હા.હ શુ વાત છે !
આ તો મારું સપનું સાચું પડ્યું હો પુરી જિંદગી પંખાની હવા નસીબમાં હતી .
પણ આ તો એ.સી . જેવું વાતાવરણ ..
જે ક્ષણની હું રાહ જોઈ રહ્યો હતો એ ક્ષણ આવીને ઉભી રહી એ પણ મારા જીવનના અંતિમ પડાવ પર...
ચાલો ,જીવનની અંતિમ ક્ષણોમાં એવોર્ડ મળ્યો ખરો ,
હૃદય અંદરથી ધ્રુજારી અનુભવી રહ્યું હતું . સ્ટેજ પર હમણાં જ મારુ નામ બોલાશે ...અને લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે હું ઉભો થઇ સ્ટેજ પર જઈશ . લોકો મારી મારી વાહ-વાહ કરશે .
અને અંતે હું પણ મશહૂર થઈશ .
આ સમાજનું પણ કેવું જો ' ને જેનું નામ છે , ખિસ્સા ભરેલા છે ,
જ્યાં પ્રતિષ્ઠા અને પૈસો હોય છે
ત્યાં જ માણસની વાહવાહી થાય છે . પરંતુ મને નવાઈ લાગી ... મારી પસંદગી એવોર્ડ માટે કઈ રીતે ? હું તો સામાન્ય જીવ છું .
સમાજમાં મારી જેવા તો કેટલાય લોકો છે કે જે બીજા લોકો માટે પોતાની જાત ઘસી નાખે છે તે છતાં વાહવાહી ની અપેક્ષા નથી રાખતા .
અમુક ઉચ્ચાઈઓ પર પહોંચ્યા પછી નીચે બધુ ધૂંધળું જ દેખાય છે હો... ' કડવું છે પણ સત્ય છે .'
ખરેખર જોવા જાવ તો સમાજમાં ચારે તરફ આવું જ ચાલી રહ્યું છે .
નિષ્ફળ લોકોની ક્યાં કોઈ કદર કરે છે .
પણ આજે કદાચ હું સફળ થયો હોવ એવો આભાસ થયો .
ચારે તરફ ઠંડુ વાતાવરણ અને ફૂલોની સુગંધ ...
પણ ...તાળીઓનો ગડગડાટ ક્યાંય ન સંભળાયો ..
તાળીઓના ગડગડાટની જગ્યાએ આંખોમાંથી વ્હેતા આંસુ ...?
મેં ચારે તરફ નજર નાખવા માટે ઉભા થઇ જોવાની કોશિશ કરી .
પણ ઉભો થવામાં હું નિષ્ફળ રહ્યો .
મારું શરીર ક્યાં હલે એમ હતું .
ફૂલોની સુગંધ બીજે ક્યાંયથી નહીં પણ ભોંય પથારી પર પડેલ મારા જ શરીર પર સજેલા ફૂલોના હારના ઢગલામાંથી આવી રહી હતી .
અંતે ખબર પડી ઓહઃહઃહઃહઃ આતો ઈશ્વર તરફથી મળેલ કિંમતી એવોર્ડ છે ...આખરે કોઈ રીતે તો ઉંચાઈઓને આંબવાનું મારુ સપનું સાકાર થયું .
:-મનિષા હાથી
🙏🌹🙏🌹🙏🌹🙏