આજે ૧૩ વ્હાલા વર્ષ પૂર્ણ થયાં અને ૧૪માં વ્હાલા વર્ષમાં પ્રવેશ કર્યો..
પહેલા એ હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘતી
પછી વાર્તા સાંભળતા સાંભળતા ઊંઘી જતી
અને હવે ઊંઘતી વખતે પુસ્તક વાંચે છે, સંગીત સાંભળે છે
આ જ તો પુરાવો છે દીકરીના મોટા થવાનો ....
મારી દીકરી મારી મિત્ર....નિશિ....
એક ગઝલ જન્મદિવસની શુભેચ્છા સાથે ....
ઘોડિયું થાકી જશે તો દીકરી જાગી જશે
સ્થીરતા પામી જશે તો દીકરી જાગી જશે
સ્વપ્નમાં આવી ચઢેલી, વારતાની એ પરી
જો કશે નાસી જશે તો દીકરી જાગી જશે
હું જ ઓઢાડું છું કાયમ, આજ જો એ શાલને
કોઈ ઓઢાડી જશે તો દીકરી જાગી જશે
સાથે સાથે આંગણાના ફૂલ પણ ઊંઘી જજો
મહેક પણ આવી જશે તો દીકરી જાગી જશે
આંખ છે એની તરફ ને ધ્યાન મારું છે બીજે,
વાત આ જાણી જશે તો દીકરી જાગી જશે
એટલે હે કૃષ્ણ તારા ચિત્રને ઢાંકું છું હું
વાંસળી વાગી જશે તો દીકરી જાગી જશે
ભાવિન ગોપાણી