ગઝલ
એ ચાદરના સળ જોઈ વલખી રહ્યાં છે ,
બધાં ભેદ ખૂલતાં જ સળગી રહ્યાં છે .
ન ફાનસ,ન દીવો,ન બત્તી ન ચાંદો ,
કે અંધારા જાતે જ ચમકી રહ્યાં છે .
સતત તોડતાં એ રહ્યાં વાયદાઓ ,
અમારા હ્રદયને શું સમજી રહ્યાં છે ?
અમે તો આ બેઠાં તો જઇ કોની સાથે ,
ચરણ આ અમારાં જ રખડી રહ્યાં છે ?
તમે ભ્રૂણહત્યા ન કરશો રે મનજી ,
સ્મરણ માંડ આજે આ જનમી રહ્યાં છે.
તેજસ દવે