એવું નથી કે મેં કદી ઈચ્છા કરી નથી ,
પૂરી ન થાય એવી તમન્ના કરી નથી .
દુશ્મનના પણ વખાણની આદત પડી મને ,
સાચુ કહું મેં કોઈની નિંદા કરી નથી .
દુનિયાના લોક ફાવે તે વાતો ભલે કરે ,
દુનિયાની મેં કદી કશી પરવા કરી નથી .
જાતે પડી જનારને ઉભા કર્યા છે મેં ,
માણસની એ દશાને મેં જોયા કરી નથી.
છોડી જનારને તરત ભૂલી ગઈ છું હું ,
મિત્રોની બેવફાઈની ચર્ચા કરી નથી .
એકાંતમાં સતત મને પજવે છે મારું મન ,
તો પણ જરાય મનને મેં શિક્ષા કરી નથી .
'બિન્ની 'મને ગમે છે આ મારો જ દુપટ્ટો ,
બીજાની ઓઢણીની મેં ઈર્ષા કરી નથી
~~~બિનિતા પુરોહીત