કદી શેરિયત કાજ દિવસની રાત થાય તો મજા પડે ,
અને પછી એ રાત જરા રળિયાત થાય તો મજા પડે .
સુંદર શબ્દો માટે ભાવક "વાહ" કહે પણ એથી શું ?
એ ઝંખે છે; શબ્દો જેવી જાત થાય તો મજા પડે .
એક ગઝલના બે મણ ઘઉં કે ચોખા ઉપજે, ના ઉપજે ,
ફેસબૂક પર આવી પણ પંચાત થાય તો મજા પડે .
છુટ્ટા હાથે, ઊંચા સાદે, માઈક પરથી ફેંક્યા એ ,
બધ્ધેબધ્ધા ચોખાના જો ભાત થાય તો મજા પડે .
એની ઉત્કંઠા તો આખું જગ જાણે છે મધુમિયાં !
ચાતકના સંતોષ વિશે જો વાત થાય તો મજા પડે .
-મધુસૂદન પટેલ 'મધુ'