આઘાત જિંદગીને, હું બમણો આપવાનો
ટાળીશ નહિ પીડાને, ઉપરથી ભેટવાનો
સુંદર નથી જે એને સુંદર બનાવવાનો
એ રીતે મન મૂકીને બધ્ધાને ચાહવાનો
આપે ભલે એ ઠોકર, પથ્થરને પૂજવાનો
શીખવે છે ચાલતા તો આભાર માનવાનો
બોલી નહિ શકું, પણ એ પારખી જવાનો
અભ્યાસ જેનો સારો આંખોને વાંચવાનો
પૂછો જો 'કેમ છે?' તો, 'સારું છે' બોલવાનો
નિયમ છે તો એ નિયમ મારેય પાળવાનો
અણસાર ભૂલથી જો આપે એ આવવાનો
જાણીને રૂડો અવસર, મૃત્યુને માણવાનો
સંદીપ પૂજારા