આપણી બાજી બગાડે પણ ખરા !
દોસ્ત છે, ધંધે લગાડે પણ ખરા !
‘ઊંઘ આવી ગઇ ને...?‘ એવું પૂછવા,
બે–અઢી વાગ્યે જગાડે પણ ખરા !
આપણે જેને દબાવી રાખીએ,
એ જ મુદ્દો એ ઉપાડે પણ ખરા !
આપણી પાસે જ ઉછીના લઇ,
ક્યાંક આપણને જમાડે પણ ખરા !
પણ હતાશા નામના એક રોગને,
આમ ચપટીમાં મટાડે પણ ખરા !??
-અનિલ ચાવડા