રાધા તારી પીડાતો
આખ્ખું. ગોકુળ જાણે
પણ મારી પીડાનું શું?
મનના એકલા અટુલા
ખૂણામાં. એને ઉછેરુ છું
સહુ કહેશે બિચ્ચારી બાપડી રાધા
પણ રાધા વિણ ઝૂરતાં
અરધા મોહનનું શું?
તારા આંસુને તો મળતો
જમુનાના ઘાટનો વિસામો
તારા આંસુના ટપ..ટપ. અવાજને
મળતો કદમનો હોંકારો
પણ મારા આંસુનું શું?
એને ભીતરમાં ભંડારુ છું
ઊના નિઃસાસાથી જલાવું છું
રોજ બળે છે દિલનો ઝરૂખો
એ ખંઢેર હું કોને બતાવું?....રાધા.
એક પથ્થર ગોઠવ્યે ઘર ના બને
એક વાદલડીથી સરવર ના બને
ટાકણા બેસૂમાર ખાધાં પછી
પથ્થર બિચારો પરમેશ્વર બને
સમર્પણ શ્વાસનું દીધા પછી જ
પ્રેમનું મઘમઘતું અત્તર મળે
જાતને સંધર્ષમાં ઓગાળ્યા પછી
આંગણાને સુખનો સૂરજ મળે
ભાવનેય ઘસવો પડે છે ભાવથી
ત્યારે જ ચંદન ભાલનું તિલક બને
શરત છે સપના ઉગાડવા આંખમાં
અથાક મહેનતનું અંજન બને
હાર-જીત પ્રણયમાં હોતી નથી
સમર્પિત થવાની બસ ત્યાં હોડ હોય છે!
માણસ જાતને
શરત સાથે ગમે છે
શરત વિના
કશું જ ના કરવાની
એની નેમ છે
કેવળ પામવાની તરસ
જેમની તેમ છે!