(1)
મા,
ઉપમાઓ નથી બીજી કશી
એટલે તો
તું અનન્વય બની!
મા,
કોઇ તારો પરિચય પૂછે
પ્રત્યુત્તરમાં
શબ્દ ઉણાં અધૂરા લાગતા
ભલા ગુંગો માણસ
સાકરની મીઠાશ
શી રીતે વર્ણવી શકે?
હું સ્મિતની લિપિ વડે
આંખનાં આંસુ વડે...
પ્રત્યુત્તર પાઠવુ કે પૃથ્વી પટે
ભગવાન તારા રૂપે મળ્યો મને
સાક્ષાત્કાર થયો...
જીવનનું વરદાન=મા. તું
માત્ર તું હી તું મા!
(2)
મા,
મન આકાશે
(મા) તારી યાદનું ઇન્દ્રધનુ લહેરાયુ
રોમ-રોમના ધબકારે મા
આનંદ ગીત રેલાયુ
આલ્લે ....આલ્લે...સૂની ક્ષિતિજે
રંગબિરંગી પાથરણું પથરાયું
શૈશવની દુનિયાના કરતલ
તારા વહાલ તણાં મા કરતબ
થનગનાટનું એક નવુ
નજરાણુ પથરાયુ!
(3)
મેં નભને પ્રશ્ન કર્યો
શું. તું એકાકી છો?
જવાબમાં
તેણે આંગળી ચીંધી
જળ ભરી વાદળી સામે
આ ભીંજવે છે મારી
એકલતાને
નિર્વ્યાજ,નિઃસ્વાર્થ મિત્રદાવે
જે મને સજળ કરે છે
જેમ અશ્રુ સભર તને કરે છે
બન્નેનું જીવન જળમય
બન્નેનું જીવન જળમાં
છતાંય અલગ!