હવે આપણી દેશી ગુજરાતી વાનગીઓને આ ઇન્ટરનેશનલ શૅફ થોડા સુધારા વધારા કરી નવા નવા અંગ્રેજી નામ આપી દે એટલે આપણે ફકત નામ સાંભળીને ગભરાઈ નહિ જવાનું હોં...! ઘણી વખત ‘ખોદા પહાડ નીકલા ચૂહા' જેવું જ હોય છે.
મારી સાથે હમણાં જ બનેલો એક કિસ્સો કહું,
મારો દીકરો ટીવીમાં એના કાર્ટુનમાં જાહેરાત આવે એ સમયે કોઈ રસોઈને લગતો પ્રોગ્રામ જોતો હતો, એને રસ પડ્યો એટલે મને બૂમ પાડીને બોલાવી કહે,
“આ જો, બનાના ફીટર્સ કેટલાં મસ્ત છે તું પણ એવા બનાવજે!”
મને નામ થોડું નવું લાગ્યું એટલે મેં એનો રીકેપ જોયો, એ જોયા બાદ એ ખરેખર કઈ વાનગી હતી એ જાણીને માથું કૂટવાનું મન થઇ આવ્યું...!
હા... હસવું આવે તો હસી લ્યો...? કાચા કેળાની ગોળ ગોળ સ્લાઈસ કાપી એને મેંદાના મસાલાવાળા ખીરામાં બોળીને તેલમાં તળી લીધેલા અને નામ આપી દીધું, બનાના ફીટર્સ!!
મેં મારા દીકરાને કહ્યું, તું જે બટેટાના ભજીયાને ટામેટાની ચટણીમાં ડુબોડી ડુબોડીને ખાય છે એ જ છે આ, બટેટાને બદલે કાચા કેળા લીધા છે બસ એટલું જ જુદું. આપણે ચણાનો લોટ લઈએ આ લોક નકરો મેંદો જ ખાય છે, આપણે લીલા મરચા કાપીને નાખીએ એની બદલે એ ચિલ્લી ફ્લેક્સ નાખે, વાટેલા આદું લસણની જગ્યાએ ડબ્બામાંથી કાઢીને જીંજર ગારલિક પેસ્ટ નાખે, કોથમીરને બદલે પાર્સલે નાખે અને તળવાને બદલે ડીપ ફ્રાય કરો કહી અંગ્રેજી નામ આપી દે,
“બનાના ફીટર્સ”
ભજીયા સાથે ખાવા માટે દહીંની જગ્યાએ મેયોનીઝ મૂકી દે એટલે થઈ ગઈ ઇન્ટરનેશનલ ડીશ તૈયાર..! કોઈ કોઈ દિવસ ઠીક છે આ બધું જીભને નવો ટેસ્ટ મળે એટલાં પૂરતું જ બાકી આપણી વાનગીને તોલે આ અંગ્રેજી વાનગી ના જ આવે...! તાજા સુધારેલા લીલા મરચાં અને હાલ લસોટીને તૈયાર કરેલા આદું લસણની પેસ્ટની મજા જ અલગ છે, એ હાલના આ છોકરાઓને નહીં સમજાય પણ કહી દઉં છું, ભજીયા એટલે ભજીયા જ...!!!
ટુંકમાં ફીટર્સ કહો કે ભજીયા બધું એનું એ જ છે નામ સાંભળીને ગૂંચવાયા કરતાં આ મસ્ત વરસાદી વાતાવરણમાં ગરમાં ગરમ બનાવીને ખાઈ લો...?
© નિયતી કાપડિયા.