દીકરી. ..
લ્યો લગ્નનું ટાણુંય આવી ગયું,
ને મામેરું ને હટાણુંય આવી ગયું,
લાબું લચક યાદી પ્રમાણે,
મેમાનો નું અજવાળુંય આવી ગયું.
લીલા તે તોરણીયા બારણે સજાવ્યા,
આંગણે તે રૂડા માંડવીયા બંધાવ્યા,
ઢોલ, શરણાઈ ના સંગીત રેલાવ્યા,
ને મહેંદી ના રંગે હાથો મહેકાવ્યા.
જાનૈયાઓ સૌ ઝૂમવા લાગ્યા,
વરરાજા નું ફુલેકુંય આવી ગયું,
સાસુમાં વરને પોખવાય લાગ્યા,
હરખનું એ બેડુય આવી ગયું,
ગોરબાપા એ અગ્નિ પ્રગટાવ્યા,
ને વર-વધુ ને સંગે બેસાડ્યા,
સપ્તપદી ના ફેરા ફેરાવ્યા,
લ્યો વિદાઈ નું ટાણુંય આવી ગયું,
માં-બહેન ને સખીઓ સૌ,
દીકરી ને વીટળાવા લાગી,
ભીંની આંખે ભીનાં પાલવના છેડે,
રુદનનું એ ગાંણુય આવી ગયું,
સ્તબ્ધ થઈ ઉભો છે બાપ,
આ તે કેવો રે વિરહ નો સંતાપ,
આંગણુ તે મારું એકલું રે થયું,
દીકરી નું નવું સરનામુંય આવી ગયું,
લેતી દેતી સૌ આંટોપી લીધી,
શેષ કાંઈ હવે વધ્યું જ નહિ,
નખ શીખ ખાલીપો ખણકે,
ઓજસ વિનાનું આયખુંય આવી ગયું,
@ મેહૂલ ઓઝા